..

ગુજરાતની KHAM નેતાગીરીને દુર નહી કરાય તો કોંગ્રેસના નેતાઓને રિસોર્ટ લઇ જવા બસ નહી રીક્ષા જોઇશે

શેર કરો

ગુજરાતમાં ત્રણ વર્ષ ચાલેલા પાટીદાર આંદોલનથી રાજકીય પક્ષોને લાભ ગેરલાભ થતા આવ્યા છે. પાટીદારોના આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ થયા છે જે નકારી શકાય નહીં. પરંતુ પક્ષોમાં જોડાયેલા નેતાઓને જે રીતે ભાજપમાં હવે કોઈ ગણકારતું નથી તેવા જ હાલ કોંગ્રેસમાં ગયેલા નેતાઓના પણ છે. પરંતુ ભાજપ માફક તેમના માળખામાં જે રીતે પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળે છે તેવું અસ્તિત્વ કોંગ્રેસમાં લેશમાત્ર નથી. કોંગ્રેસને પોતાના પરિવારવાદ અને ખામ થીયરીથી ઉત્પન્ન થયેલા બનાવટી અને સેટલમેન્ટ વાળા નેતાઓએ છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં જીતવા દીધી નથી.

કોંગ્રેસના ખામ થીયરીથી ઉભા થયેલા નેતાઓનો પાટીદારો પ્રત્યેનો અણગમો જગજાહેર છે જેને કારણે ગુજરાતના મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ પણ કોંગ્રેસને ટેકો કરવામાં ખચકાટ અનુભવે છે. તાજેતરમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ અને ત્યારબાદ ભાજપના અજય ભારદ્વાજનું અવસાન થતા ગુજરાતની ૨ બેઠકો ખાલી પડી છે.

ગુજરાતમાંથી હાલમાં કોંગ્રેસ તરફથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાં નથી મોકલવામાં આવી રહ્યા અલબત્ત છેલ્લા ૨૫ વર્ષમાં પણ નથી મોકલવામાં આવ્યા. ત્યારે બીજી તરફ ભાજપે મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા અને નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતના પાટીદારોને પોતાની તરફે ખેચી રાખવામાં સફળતા મેળવી છે. હાલમાં કોંગ્રેસના અગ્રીમ પાટીદાર નેતાઓમાં સિદ્ધાર્થ પટેલ, મનહર પટેલનો સમાવેશ થાય છે. કદાચ કોંગ્રેસના kham નેતાઓ બ્લેકમેલીંગથી પાટીદાર નેતાઓની ટીકીટ ન કાપે તો આ બંને નેતાઓ ચોક્કસ પણે ગુજરાતમાં કોંગ્રેસને ધન અને તન થી સમૃદ્ધ કરી શકે છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસે મોકલેલા શક્તિસિંહ સિવાયના એકય નેતા જમીન અને કાર્યકર્તાઓ સાથે જોડાયેલા નથી.

રાહુલ ગાંધીના વિશ્વાસુ બનેલા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક થતાં કોંગ્રેસના સિનિયર આગેવાનોમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકમુખે ચર્ચાઓ પણ થઇ રહી છે કે પેટાચૂંટણીમાં હાર્દિકની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસના kham નેતાઓએ પુરેપુરા પ્રય્ય્તનો કર્યા હતા. કારણ કે ગુજરાતમાં કાયમી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ એક મજબૂત દાવેદાર તરીકે પ્રસ્થાપિત થાય તો કોંગ્રેસના જૂના નેતાઓની બાદબાકી થઇ શકે છે.

પાટીદાર આંદોલનકારીઓનું ભાજપમાં ભલે મહત્વ ન રહ્યું હોય પરંતુ ભાજપના માળખામાં પાટીદારોનો સિક્કો ચાલે છે. રાજ્યસભાની ટીકીટ હોય કે મંત્રી મંડળ બધે પાટીદાર નેતાઓનો દબદબો છે એજ કારણ છે કે કોંગ્રેસ પાટીદારોને પોતાની તરફ નથી ખેંચી શકી. પાટીદારો ભાજપમાં રહેલા પાટીદાર ચહેરાઓને જોઈને હજુ સુધી મનમાં રોષ હોવા છતાં ભાજપ તરફે મતદાન કરી દે છે. જેનું ઉત્તમ ઉદાહરણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં દેખાઈ આવ્યું હતું. કોંગ્રેસ ભલે EVM માં છેડછાડના ના આરોપો લગાવીને રોળકકળ કરી રહ્યું હોય પણ આ આરોપો સિદ્ધ કરવા કોર્ટ સુધી એક નેતા સુદ્ધા ગયો નથી.

૨૦૧૭ બાદ હાલમાં કોરોના મહામારીના સમયે જે રીતે ઉદ્યોગકારોમાં ભાજપની નેતાગીરી સામે રોષ છે તેમ છતાં તેઓ કોંગ્રેસને પસંદ નથી કરતા તેનું કારણ છે કોંગ્રેસના પરિવારવાદ અને ખામ થીયરીથી ઉત્પન્ન થયેલા બનાવટી અને સેટલમેન્ટ વાળા નેતાઓ. પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ખરાબ રીતે હાર જોઈ ગયેલા નેતાઓ બ્લેક મેલિંગ કરીને જે રીતે ટીકીટ લઇ આવીને ફંડ ની ઉઘરાણીઓ કરીને ચુટણીઓમાં મલાઈ ખાય છે અને ભાજપને જીત માટે પુરેપુરો ટેકો આપે છે તેવા નેતાઓને જો કોંગ્રેસ હાઈકમાંડ ગુજરાતના તખ્તાથી દુર નહી કરે તો આગામી સમયમાં કદાચ કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ જવા બસ નહી પણ રીક્ષા કરવી પડશે તેવો સમય આવશે.

૨૦૧૮માં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક પછી કોંગ્રેસમાં વિખવાદો વધી રહ્યા છે. જૂથવાદ વધારવામાં આવી રહ્યો છે. પ્રદેશના નવા માળખાને લઈને અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આંતરિક લડાઈ વધી હતી. વરિષ્ઠ નેતાઓને એવું લાગે છે કે, તેમની અવગણના થઈ રહી છે. આ ટોળકી પોતાના લોકોની ટિકિટો લાવે છે કે અપાવે છે અને પક્ષ હારે છે. જેને અહેમદ પટેલ પીઠબળ પૂરું પાડી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *