..

સિયાચીનમાં પાકિસ્તાન સામે રાત્રે બે કલાક જંગ ચાલ્યો અને પોસ્ટનો કબજો લીધો

શેર કરો

જય જવાન નાગરિક સમિતિ દ્વારા આયોજિત ગૌરવ સમર્પણ સમારોહમાં સુરતના મહેમાન બનેલા પૂર્વ સૈનિક વલ્લભભાઇ અર્જુનભાઇ બલદાણીયા તેમના આર્મીજીવનના નિવૃતિના છેલ્લા છ દિવસ પહેલા યુદ્ધના મેદાને ચઢ્યા હતા. સિયાચીનમાં પાકિસ્તાને કબ્જે કરેલી ભારતીય પોસ્ટને પરત લેવા આ જંગ છેડાઇ હતી જે બે કલાક ચાલી હતી.

મૂળ અમરેલીના ખાંભા તાલુકાનાં લાસાગામના વલ્લભભાઇ અર્જુનભાઇ બલદાણીયાએ પિતાની પ્રેરણાથી બાળપણથી જ આર્મીમાં જવા મન બનાવ્યુ હતુ. તેમના પિતા બ્રિટીશ આર્મીમાં હતા. ઘરે મહેમાન આવતા એમની વાતચિત અને શૈલી જોઇને આર્મીમાં કરીઅર બનાવવાનું નક્કી કરી લીધુ હતુ. ગામના સ્કૂલ ટીચરના માધ્યમથી અમરેલીમાં યોજાયેલી ભરતીમાં તેઓ પાસ થયા અને મેરઠમાં એક વર્ષની બેઝિક ટ્રેનિંગ થઇ. બાદમાં ૧૨૫ એએસસી બટાલીયનમાં પોસ્ટીંગ મળી. તેમણે ત્રણ વર્ષ યુવાનોને ઇન્સટ્રક્ટર તરીકે તાલીમ આપી. અરૃણાચલ પ્રદેશમાં સાડાચાર વર્ષ અને ફરી બોદ્ધ ગયામાં ઇન્સટ્રક્ટર તરીકે યુવાનોને તાલીમ આપવાનું કામ કર્યુ. જમ્મુ કાશ્મીરઅંબાલ કેન્ટ અને છેલ્લે સીયાચીન ગ્લેશીયરમાં પોસ્ટીંગ આવ્યું. આ સમય તેમના જીવનનો યાદગાર બનવાનો હતો.

માઇનસ ૫૦ ડિગ્રી વાતાવરણમાં બંકરમાં રહેવાનો અનુભવ ભૂલી શકાય તેનો નથી એવુ તેમણે કહ્યુ હતુ. હવે અહીંથી તેઓ નિવૃત થવાના હતા અને નિવૃતિના છ દિવસ બાકી હતા ત્યા રાત્રે ૧૦.૪૫ વાગ્યે બંકરમાં ફોન રણકે છે અને પછીની ૧૫ મિનિટમાં તમામ સૈનિકો નીકળી પડે છે. પાકિસ્તાને ભારતની એક પોસ્ટ કબ્જે કરી લીધી હતી જેને છોડાવવા માટે આ જંગ હતી. લગભગ બે કલાક ગોળીબારી ચાલી જેમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા અને ટીમવર્કથી ભારતે પોસ્ટ પર ફરી પોતાનો અધિકાર જમાવ્યો. એ બે કલાક ભગવતીદેવીએ આપેલી બોનસ છે એવુ તેઓ શ્રદ્ધાપુર્વક જણાવે છે. ડયુટી દરમિયાન પણ માતાજીને દીવો કરવાનું ક્યારેય ભુલ્યા નથી.ક્યારેક અર્જન્ટ હોય તો સાથીદારને કામ સોંપીને નીકળી જાય. હાલમાં નિવૃત લાઇફમાં પણ દીવોભજનો અને દેશભક્તિના ગીતો તેમની આસપાસ ગૂંજ્યા કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *