આણંદ જિલ્લાનાં બજારોમાં તહેવારોની ખરીદી ન નિકળતા વેપારીઓમાં ચિંતા
દિપાવલી પર્વને આડે ૧૦ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કોરોના મહામારીના કારણે બજારોમાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળતા વેપારીઓ ચિંતિત બન્યા છે. રેડીમેડ ગારમેન્ટ, બુટ-ચપ્પલ, ગૃહસજાવટ સહિતની ચીજવસ્તુઓના વેપારમાં પર્વ ટાંણે મહામારીના પગલે મંદી જોવા મળી રહી છે. જો કે જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
ચાલુ વર્ષે કોરોનારૂપી મહામારીનું ગ્રહણ તમામ તહેવારોને લાગ્યું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા નવરાત્રિ પર્વ દરમ્યાન ગરબા મહોત્સવ યોજવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જેને લઈ નવરાત્રિ પર્વ ટાંણે બજારોમાં ખરીદી ન નીકળતા વેપારીઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે મહામારીની અસર દિવાળી પર્વની ઘરાકી ઉપર પણ વર્તાઈ રહી છે. આણંદ શહેર સહિત જિલ્લાભરના બજારોમાં દિવાળી પર્વને લઈ વેપારીઓએ સારી ઘરાકી નીકળશેની આશાએ રેડીમેડ ગારમેન્ટ, બુટ-ચપ્પલ તથા ગૃહસજાવટની ચીજવસ્તુઓનો સ્ટોક કરી દીધો છે પરંતુ પર્વ નજીક હોવા છતાં જોઈએ તેવી ઘરાકીનો માહોલ ન જામતા વેપારીઓમાં ચિંતાની લાગણી વ્યાપી છે.
જો દિવાળી પર્વ મહિનાના મધ્યભાગમાં આવતો હોઈ તા.૭ થી ૧૦માં પગાર થયા બાદ ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ ધંધા-રોજગાર ઠપ્પ રહેતા ગરીબ-મજૂર વર્ગને આર્થિક નુકસાન પહોંચ્યું હતું.
તો બીજી તરફ વેપાર-ધંધા બંધ રહેવાના કારણે કંપનીઓ બંધ રહી હતી.
જેથી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને પણ બોનસ મળશે કે કેમ ? તે પ્રશ્ન સતાવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે અર્થતંત્ર ખોરવાતા તેની સીધી અસર પર્વની ઉજવણી પર પડી છે. તેમ છતાં પગાર મળ્યા બાદ લોકો યથાશક્તિ પ્રમાણે પર્વને અનુરૂપ ખરીદી કરશે.